KING JAMES BIBLEશોધો

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

પ્રે.કૃ. 21

બધા · પ્રે.કૃ.શોધો

1એમ થયું કે, અમે તેઓનાથી જુદા થયા પછી વહાણ હંકારીને સીધે રસ્તે કોસ આવ્યા, અને બીજે દિવસે રોડેસ પછી ત્યાંથી પાતરા આવ્યા.

2ફિનીકિયા જનાર એક વહાણ મળ્યું તેથી અમે તેમાં બેસીને રવાના થયા.

3પછી સાયપ્રસ (ટાપુ) નજરે પડ્યો, એટલે તેને ડાબી તરફ મૂકીને અમે સિરિયા ગયા, અને તૂર ઊતર્યા; કેમ કે ત્યાં વહાણનો માલ ઉતારવાનો હતો.

4અમને શિષ્યો મળી આવ્યા. તેથી અમે સાત દિવસ ત્યાં રહ્યા; તેઓએ પવિત્ર આત્મા (ની પ્રેરણા) થી પાઉલને કહ્યું કે, ‘તારે યરુશાલેમમાં પગ મૂકવો નહિ.’”

5તે દિવસો પૂરા થયા પછી એમ થયું કે અમે નીકળીને આગળ ચાલ્યા, ત્યારે તેઓ સર્વ, સ્ત્રી છોકરાં સહિત, શહેરની બહાર સુધી અમને વિદાય આપવાને આવ્યા; અમે સમુદ્રકાંઠે ઘૂંટણે પાડીને પ્રાર્થના કરી,

6એકબીજાને ભેટીને અમે વહાણમાં બેઠા, અને તેઓ પાછા ઘરે ગયાં.

7પછી અમે તૂરથી સફર પૂરી કરીને ટાલેમાઈસ આવી પહોંચ્યા; ભાઈઓને ભેટીને એક દિવસ તેઓની સાથે રહ્યા.

8બીજે દિવસે અમે (ત્યાંથી) નીકળીને કાઈસારિયામાં આવ્યા, સુવાર્તિક ફિલિપ જે સાત (સેવકો) માંનો એક હતો તેને ઘરે જઈને તેની સાથે રહ્યા.

9આ માણસને ચાર કુંવારી દીકરીઓ હતી, તેઓ પ્રબોધિકાઓ હતી.

10અમે ત્યાં ઘણા દિવસ રહ્યા, એટલામાં આગાબસ નામે એક પ્રબોધક યહૂદિયાથી આવ્યો.

11તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરબંધ લીધો, અને પોતાના હાથ પગ બાંધીને કહ્યું કે, ‘પવિત્ર આત્મા એમ કહે છે કે, ‘જે માણસનો આ કમરબંધ છે તેને યરુશાલેમમાંના યહૂદીઓ આવી રીતે બાંધીને બિનયહૂદીઓના હાથમાં સોંપશે.’”

12અમે એ સાંભળ્યું, ત્યારે અમે તથા ત્યાંના લોકોએ પણ તેને યરુશાલેમ ન જવાની વિનંતી કરી.

13ત્યારે પાઉલે ઉત્તર દીધો કે, તમે શા માટે રડો છો, અને મારું દિલ દુ:ખવો છો? હું તો એકલો બંધાવાને નહિ, પણ પ્રભુ ઈસુના નામને સારુ યરુશાલેમમાં મરવાને પણ તૈયાર છું.

14જયારે તેણે માન્યું નહિ, ત્યારે ‘પ્રભુની ઇચ્છા પ્રમાણે થાઓ,’ એવું કહીને અમે શાંત રહ્યા.

15તે દિવસો પછી અમે અમારો સામાન લઈને યરુશાલેમ ગયા.

16શિષ્યોમાંના કેટલાક કાઈસારિયામાંથી અમારી સાથે આવ્યા, અને સાયપ્રસના મનાસોન નામના એક જૂના શિષ્યના ઘરે, જ્યાં અમારે રોકવાનું હતું, તેને ત્યાં તેઓએ અમને પહોંચાડ્યા. પાઉલ અને યાકૂબની મુલાકાત

17અમે યરુશાલેમ આવ્યા ત્યારે ભાઈઓએ આનંદથી અમારો આવકાર કર્યો.

18બીજે દિવસે પાઉલ અમારી સાથે યાકૂબને ઘરે ગયો, અને સઘળા વડીલો ત્યાં હાજર હતા.

19તેણે તેઓને ભેટીને ઈશ્વરે તેની સેવા વડે બિનયહૂદીઓમાં જે કામ કરાવ્યા હતા તે વિષે વિગતવાર કહી સંભળાવ્યું.

20તેઓએ તે સાંભળીને ઈશ્વરની સ્તુતિ કરતા કહ્યું કે, ભાઈ, યહૂદીઓમાંના હજારો વિશ્વાસીઓ થયા છે, એ તુ જુએ છે; અને તેઓ સર્વ ચુસ્ત રીતે નિયમશાસ્ત્રને પાળે છે.

21તેઓએ તારા વિષે સાંભળ્યું છે કે, તું મૂસાના નિયમશાસ્ત્રનો તથા યહૂદી રીતરિવાજોનો વિરોધી છે. બિનયહૂદીઓમાં વસતા યહૂદી વિશ્વાસીઓના છોકરાંનીઓની સુન્નત કરાવવી નહિ, પૂર્વજોના રીતરિવાજ પ્રમાણે ચાલવું નહિ, એવું તું શીખવે છે.

22તો હવે શું કરવું? તું આવ્યો છે એ વિષે લોકોને ચોક્કસ ખબર પડશે જ.

23માટે અમે તને કહીએ તેમ કર; અમારામાંના ચાર માણસોએ શપથ લીધેલ છે;

24તેઓને લઈને તેઓની સાથે તું પણ પોતાને શુદ્ધ કર, અને તેઓને સારુ ખર્ચ કર, કે તેઓ પોતાના માથાં મૂંડાવે; એટલે સઘળા જાણશે કે, તારા વિષે જે તેઓએ સાંભળ્યું છે તેમાં કંઈ સાચું નથી, પરંતુ તું પોતે પણ નિયમશાસ્ત્ર પાળીને તે પ્રમાણે ચાલે છે.

25પણ બિનયહૂદી વિશ્વાસીઓ સંબંધી અમે ઠરાવીને લખી મોકલ્યું છે કે, તેઓ મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાથી, તથા વ્યભિચારથી દૂર રહે.’”

26ત્યારે પાઉલ બીજે દિવસે તે માણસોને લઈને તેઓની સાથે શુદ્ધ થઈને ભક્તિસ્થાનમાં ગયો. અને એવું જાહેર કર્યું કે તેઓમાંના દરેકને સારુ અર્પણ ચઢાવવામાં આવશે ત્યારે જ શુધ્ધીકરણના દિવસો પૂરા થશે. મંદિરમાં પાઉલની ધરપકડ

27તે સાત દિવસ પૂરા થવા આવ્યા ત્યારે આસિયાના યહૂદીઓએ તેને ભક્તિસ્થાનમાં જોઈને સર્વ લોકોને ઉશ્કેરીને તેના પર હાથ નાખીને તેને પકડી લીધો;

28તેઓએ બૂમ પાડી કે, ‘હે ઇઝરાયલી માણસો, સહાય કરો: જે માણસ સર્વ જગ્યાએ લોકોની તથા નિયમશાસ્ત્રની તથા આ જગ્યાની વિરુદ્ધ સર્વને શીખવે છે તે આ છે; વળી તેણે ગ્રીકોને પણ ભક્તિસ્થાનમાં લાવીને આ પવિત્ર જગ્યાને અશુદ્ધ કરી છે.

29(કેમ કે તેઓએ એફેસસના ત્રોફીમસને તેની સાથે શહેરમાં પહેલાં જોયો હતો, પાઉલ તેને ભક્તિસ્થાનમાં લાવ્યો હશે એવું તેઓએ માન્યું.)

30ત્યારે આખા શહેરમાં ધમાલ મચી ગઈ, લોકો દોડીને એકઠા થઈ ગયા, અને તેઓએ પાઉલને પકડીને ભક્તિસ્થાનમાંથી બહાર કાઢી મૂક્યો, અને તરત બારણાં બંધ કરવામાં આવ્યાં.

31તેઓ તેને મારી નાખવાની તૈયારીમાં હતા એટલામાં પલટણના આગેવાનને સમાચાર મળ્યા કે, આખા યરુશાલેમમાં હુલ્લડ મચી રહ્યું છે.

32ત્યારે સિપાઈઓને તથા શતપતિઓને સાથે લઈને તે તેઓ પાસે દોડી આવ્યો, અને તેઓએ સરદારને તથા સિપાઈઓને જોયા ત્યારે પાઉલને મારવાનું બંધ કર્યું.

33ત્યારે સરદારે પાસે આવીને તેને પકડીને બે સાંકળથી બાંધવાની આજ્ઞા આપી; અને પૂછ્યું કે, ‘એ કોણ છે, અને એણે શું કર્યું છે?’

34ત્યારે લોકોમાંના કેટલાકે એક વાત કરી અને કેટલાકે બીજી વાત કરી, તેથી ગડબડના કારણથી તે ચોક્કસ જાણી શક્યો નહિ, ત્યારે તેણે તેને કિલ્લામાં લઈ જવાની આજ્ઞા આપી.

35પાઉલ પગથિયાં પર ચઢયો ત્યારે એમ થયું કે, લોકોના ધસારાને લીધે સિપાઈઓને તેને ઊંચકી લઈ જવો પડ્યો;

36કેમ કે લોકોની ભીડ તેઓની પાછળ ને પાછળ ચાલીને બૂમ પાડતી હતી કે, ‘તેને મારી નાખો.’” પાઉલ પોતાનો બચાવ કરે છે

37તેઓ પાઉલને કિલ્લામાં લઈ જતા હતા, એટલામાં તેણે સરદારને કહ્યું કે, ‘મને તારી સાથે બોલવાની રજા છે?’ ત્યારે તેણે કહ્યું કે, શું તું ગ્રીક ભાષા જાણે છે?

38મિસરીએ કેટલાક સમય ઉપર ચાર હજાર ખૂનીઓને ઉશ્કેરીને બળવો કરાવ્યો અને તેઓનો (આગેવાન થઈને) તેઓને બહાર અરણ્યમાં લઈ ગયો તે શું તું નથી?’

39પણ પાઉલે કહ્યું કે, ‘હું કિલીકિયાના તાર્સસનો યહૂદી છું, હું કંઈ અપ્રસિદ્ધ શહેરનો વતની નથી; હું તને વિનંતી કરું છું કે, લોકોની આગળ મને બોલવાની રજા આપ.’”

40તેણે તેને રજા આપી, ત્યારે પાઉલે પગથિયાં પર ઊભા રહીને લોકોને હાથે ઇશારો કર્યો, તેઓ બધા એકદમ શાંત થઈ ગયા, ત્યારે તેણે હિબ્રૂ ભાષામાં બોલતાં કહ્યું કે.

Sources and attribution