KING JAMES BIBLEશોધો

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

માથ. 21

બધા · માથ.શોધો

1જયારે તેઓ યરુશાલેમની નજીક આવ્યા અને તેઓ જૈતૂન નામના પહાડ પાસે બેથફાગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યોને મોકલીને

2કહ્યું કે, “તમે સામેના ગામમાં જાઓ, તેમાં પ્રવેશતા જ તમને બાંધેલી એક ગધેડી તથા તેની પાસે બચ્ચું જોવા મળશે; તેઓને છોડીને મારી પાસે લાવો.

3જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે, ‘પ્રભુને તેઓની જરૂર છે,’ એટલે તે તેઓને તરત જ મોકલી દેશે.”

4હવે આ એટલા માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે,

5“સિયોનની દીકરીને એમ કહો કે, જુઓ, તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે, તથા ગધેડા પર, હા, ખોલા પર, એટલે ગધેડીના વછેરા પર, સવાર થઈને આવે છે.”

6ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને જે ફરમાવ્યું હતું તેમ કર્યું.

7તેઓ ગધેડીને બચ્ચા સહિત લાવ્યા અને પોતાના વસ્ત્ર તેઓ પર નાખ્યાં, અને ઈસુ તેના પર સવાર થયા.

8લોકોમાંના ઘણાંખરાએ પોતાના વસ્ત્ર રસ્તામાં પાથર્યા, બીજાઓએ વૃક્ષો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી.

9હવે આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું કે, “દાઉદના દીકરાને હોસાન્ના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના!”

10તેઓ જયારે યરુશાલેમમાં આવ્યા ત્યારે આખા નગરે ખળભળી ઊઠીને કહ્યું કે, ‘એ કોણ છે?’

11ત્યારે લોકોએ કહ્યું કે, “ઈસુ પ્રબોધક, જે ગાલીલના નાસરેથના, તે એ છે.” ઈસુ ભક્તિસ્થાને જાય છે

12પછી ઈસુ ઈશ્વરના ભક્તિસ્થાનમાં ગયા. ત્યાં જેઓ વેચતા તથા ખરીદતા હતા, તે સર્વને તેમણે કાઢી મૂક્યા; અને નાણાવટીઓનાં બાજઠ, તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધા વાળ્યાં.

13ઈસુએ તેઓને કહ્યું કે, “મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે,’ એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર બનાવ્યું છે.”

14ત્યાર પછી અંધજનો તથા અપંગો તેમની પાસે ભક્તિસ્થાનમાં આવ્યા અને તેમણે તેઓને સાજાં કર્યા.

15પણ જે ચમત્કારો તેમણે કર્યા, તથા જે બાળકો ભક્તિસ્થાનમાં મોટા અવાજે ‘દાઉદના દીકરાને હોસાન્ના’ પોકારતા હતાં, તેઓને જયારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ જોયા, ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા.

16તેઓએ ઈસુને કહ્યું કે, “તેઓ શું કહે છે, તે શું તું સાંભળે છે?” ત્યારે ઈસુ તેઓને કહે છે કે, ‘હા!’ “બાળકોના તથા નવજાત શિશુઓના મુખથી તેં સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું?”

17પછી તેઓને મૂકીને નગર બહાર બેથાનિયામાં જઈને ઈસુએ રાતવાસો કર્યો. ઈસુએ અંજીરીને શાપ આપ્યો

18હવે સવારે નગરમાં પાછા આવતા ઈસુને ભૂખ લાગી.

19રસ્તાની બાજુમાં એક અંજીરી જોઈને ઈસુ તેની પાસે ગયા, પણ તેના પર એકલાં પાંદડાં વગર બીજું કંઈ ન મળવાથી તેમણે તેને કહ્યું કે, “હવેથી તારા પર કદી ફળ ન લાગો;” અને એકાએક તે અંજીરી સુકાઈ ગઈ.

20તે જોઈને શિષ્યો આશ્ચર્ય પામીને બોલ્યા કે, “અંજીરી કેવી રીતે એકાએક સુકાઈ ગઈ?”

21ત્યારે ઈસુએ ઉત્તર આપતા તેઓને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને વિશ્વાસ હોય અને સંદેહ ન લાવો, તો આ અંજીરીને જે થયું તે તમે કરશો, એટલું જ નહિ પણ જો તમે આ પહાડને કહેશો કે, ‘તું ઊંચકાઈને સમુદ્રમાં પડ,’ તો તેમ જ થશે.

22જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માગશો, તે સઘળું તમે પામશો.” ઈસુના અધિકારનો પ્રશ્ન

23પછી ભક્તિસ્થાનમાં આવીને ઈસુ બોધ કરતા હતા, એટલામાં મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ તેમની પાસે આવીને કહ્યું કે, “તું કયા અધિકારથી એ કામો કરે છે? અને તે અધિકાર તને કોણે આપ્યો?”

24ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “હું પણ તમને એક વાત પૂછીશ. તેનો જવાબ જો તમે આપશો તો હું કયા અધિકારથી એ કામો કરું છું, તે હું પણ તમને કહીશ.

25જે બાપ્તિસ્મા યોહાન આપતો હતો તે ક્યાંથી હતું સ્વર્ગથી કે માણસોથી?” ત્યારે તેઓએ પરસ્પર વિચાર કરીને કહ્યું, “જો આપણે કહીએ કે ‘સ્વર્ગથી,’ તો ઈસુ આપણને કહેશે કે, ત્યારે તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહિ?

26અથવા જો આપણે કહીએ કે ‘માણસોથી,’ તો લોકોથી આપણને બીક છે, કેમ કે સહુ યોહાનને પ્રબોધક માને છે.”

27પછી તેઓએ ઈસુને ઉત્તર આપતાં કહ્યું કે, ‘અમે નથી જાણતા’. તેમણે પણ તેઓને કહ્યું કે, “હું કયા અધિકારથી એ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી. બે દીકરાનું દ્રષ્ટાંત

28પણ તમે શું ધારો છો? એક વ્યક્તિને બે દીકરા હતા; તેણે પહેલાની પાસે આવીને કહ્યું કે, ‘દીકરા, તું આજ દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર.’

29ત્યારે તેણે ઉત્તર આપ્યો કે, ‘હું નથી જવાનો;’ તોપણ પછીથી તે પસ્તાઈને ગયો.

30અને બીજા પાસે આવીને તેણે તેમ જ કહ્યું, ત્યારે તેણે ઉત્તર આપ્યો કે ‘હું જાઉં છું, સાહેબ,’ તોપણ તે ગયો નહિ.

31તો તે બન્નેમાંથી કોણે પોતાના પિતાની ઇચ્છા પ્રમાણે કર્યું? તેઓએ ઈસુને કહ્યું કે, ‘પહેલાએ.’ ઈસુ તેઓને કહે છે કે, “હું તમને નિશ્ચે કહું છું કે, દાણીઓ તથા કસબણો તમારી અગાઉ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરશે.

32કેમ કે યોહાન ન્યાયીપણાને માર્ગે તમારી પાસે આવ્યો, તોપણ તમે તેના ઉપર વિશ્વાસ ન કર્યો પણ દાણીઓએ તથા વારંગનાઓ તેના પર વિશ્વાસ કર્યો; એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહિ કે તમે તેના પર વિશ્વાસ કરો. ખેડૂતોને ભાડે આપેલી દ્રાક્ષાવાડીનું દ્રષ્ટાંત

33એક બીજું દ્રષ્ટાંત સાંભળો. એક જમીનદાર હતો, તેણે દ્રાક્ષાવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો અને બુરજ બનાવ્યો, પછી ખેડૂતોને તે ઈજારે આપી, તે પરદેશ ગયો.

34ફળની ઋતુ પાસે આવી ત્યારે તેણે ફળ લેવા સારુ પોતાના ચાકરોને તે ખેડૂતો પાસે મોકલ્યા.

35ત્યારે ખેડૂતોએ તેના ચાકરોને પકડીને એકને માર્યો, બીજાને મારી નાખ્યો અને ત્રીજાને પથ્થરે માર્યો.

36પછી તેણે અગાઉ કરતાં બીજા વધારે ચાકરોને મોકલ્યા, પણ તેઓએ તેઓને એવું જ કર્યું.

37પછી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલતાં કહ્યું કે, ‘તેઓ મારા દીકરાનું માન રાખશે.’”

38પણ ખેડૂતોએ દીકરાને જોઈને પરસ્પર કહ્યું કે, ‘એ તો વારસ છે, ચાલો, આપણે એને મારી નાખીએ અને તેનો વારસો લઈ લઈએ.’

39ત્યારે તેઓએ તેને પકડ્યો અને દ્રાક્ષાવાડીમાંથી બહાર કાઢીને તેને મારી નાખ્યો.

40એ માટે જયારે દ્રાક્ષાવાડીનો માલિક આવશે ત્યારે તે ખેડૂતોનું શું કરશે?”

41તેઓએ ઈસુને કહ્યું કે, “તે દુષ્ટોનો પૂરો નાશ કરશે; અને બીજા ખેડૂતો કે જેઓ મોસમે તેને ફળ પહોંચાડે, તેઓને દ્રાક્ષાવાડી ઈજારે આપશે.”

42ઈસુએ તેઓને કહ્યું કે, “જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો. તે પ્રભુથી બન્યું અને આપણી નજરમાં આશ્ચર્યકારક છે,’ એ શું તમે શાસ્ત્રવચનોમાં કદી નથી વાંચ્યું?

43એ માટે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે અને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને તે અપાશે.

44આ પથ્થર પર જે પડશે તેના ટુકડેટુકડાં થઈ જશે, પણ જેનાં પર તે પડશે, તેને તે કચડી નાખશે.”

45મુખ્ય યાજકો તથા ફરોશીઓ તેમના દ્રષ્ટાંતો સાંભળીને સમજ્યા કે તેઓ અમારા સંબંધી બોલે છે.

46તેઓ ઈસુને પકડવાનો રસ્તો શોધતા હતા પણ તેઓ લોકોથી ડરી ગયા, કેમ કે લોકો ઈસુને પ્રબોધક માનતા હતા.

Sources and attribution