KING JAMES BIBLEશોધો

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

રોમ. 12

બધા · રોમ.શોધો

1તેથી, ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, ઈશ્વરની દયા પ્રાપ્ત કરવા તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે તેવું, અર્પણ કરો; તે તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે.

2આ જગતનું રૂપ તમે ન ધરો; પણ તમારાં મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે પરિવર્તન પામો, જેથી ઈશ્વરની સારી, માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે જાણી શકો. શરીર એક: અવયવો ઘણાં

3વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાંના દરેક જણને કહું છું કે, પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો; પણ જે પ્રમાણે ઈશ્વરે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે, તેના પ્રમાણમાં દરેકે પોતાને યોગ્ય ગણવો.

4કેમ કે જેમ આપણા શરીરનાં ઘણાં અંગો છે અને તેઓને બધાને એક જ કામ કરવાનું હોતું નથી;

5તેમ આપણે ઘણાં હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છીએ અને અરસપરસ એકબીજાનાં અંગો છીએ.

6આપણને જે કૃપા આપવામાં આવી છે, તે પ્રમાણે આપણને જુદાં જુદાં કૃપાદાન મળ્યાં છે; તેથી જો બોધ કરવાનું કૃપાદાન મળ્યું હોય, તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેણે બોધ કરવો;

7અથવા જો સેવાનું, તો સેવામાં લાગુ રહેવું; વળી જે શિક્ષક હોય તેણે શિક્ષણ આપવામાં લાગુ રહેવું;

8જે સુબોધ કરનાર, તેણે સુબોધ કરવામાં વ્યસ્ત રહેવું; જે દાન આપે છે, તેણે ઉદારતાથી આપવું; જે અધિકારી છે, તેણે ખંતથી અધિકાર ચલાવવો; અને જે દયા રાખે છે તેણે હર્ખથી દયા રાખવી. ખ્રિસ્તી જીવનનાં નિયમ

9તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. જે ખરાબ છે તેને ધિક્કારો; જે સારું છે તેને વળગી રહો.

10ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો; માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.

11ઉદ્યોગમાં આળસુ ન થાઓ; આત્મામાં ઉત્સાહી થાઓ; પ્રભુની સેવા કરો;

12આશામાં આનંદ કરો; સંકટમાં ધીરજ રાખો; પ્રાર્થનામાં લાગુ રહો;

13સંતોની જરૂરિયાતો પૂરી પાડો; પરોણાગત કરવામાં તત્પર રહો.

14તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો; આશીર્વાદ જ આપો અને શ્રાપ આપતા નહિ.

15આનંદ કરનારાઓની સાથે આનંદ કરો; રડનારાઓની સાથે રડો.

16અરસપરસ એક મનના થાઓ; તમારું મન મોટી બાબતો પર ન લગાડો, પણ નમ્ર ભાવે દીનોની કાળજી રાખો. તમે પોતાને બુદ્ધિમાન ન સમજો.

17દુષ્ટતાની સામે દુષ્ટતા ન આચરો. બધા માણસોની નજરમાં જે શોભે છે, તે કરવાને કાળજી રાખો.

18જો શક્ય હોય, તો ગમે તેમ કરીને બધાં માણસોની સાથે હળીમળીને રહો.

19ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ ઈશ્વરના કોપને માટે માર્ગ મૂકો; કેમ કે લખેલું છે કે, પ્રભુ કહે છે કે, ‘વૈર વાળવું એ મારું કામ છે; હું બદલો લઈશ.’”

20પણ જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવડાવ; જો તરસ્યો હોય તો તેને પાણી પા; કેમ કે એવું કરવાથી તું તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરીશ.

21દુષ્ટતાથી તું હારી ન જા, પણ ભલાઈથી દુષ્ટતાનો પરાજય કર.

Sources and attribution